)
EPFO New Rules : જ્યારથી EPFOએ વેતન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરી છે, ત્યારથી એવી અટકળો તેજ બની છે કે શું તમારો પગાર ઘટશે, આ નિયમ તમારા CTC પર કેવી અસર કરશે અને શું તમારા ટેક-હોમ પગારમાં ફેરફાર થશે ?
સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સામાજિક સુરક્ષાના લાભો આપવા માટે PF પેન્શન મર્યાદામાં વધારો કર્યો છે. આ પગલાથી વધારાના 51 લાખ કર્મચારીઓને લાભ થશે. તેમના માટે પેન્શનમાં યોગદાન આપવું ફરજિયાત બનશે. જોકે, આ યોગદાન એમ્પ્લોયરના કુલ યોગદાનમાંથી કાપવામાં આવશે, તેથી પગારમાં કોઈ સીધો કાપ મૂકવામાં આવશે નહીં.
તેમ છતાં વેતન મર્યાદા ₹25,000 સુધી વધવાથી PF યોગદાન વધી શકે છે, જે સંભવિતપણે તમારા હાથમાં આવતા પગારને અસર કરી શકે છે. ત્યારે આ ગણતરી કેવી રીતે કરવામાં આવશે અને કોના પગાર પર તેની અસર થઈ શકે છે, તેના પર નજર કરીએ.
આ PF નિયમ CTC પર કેવી અસર કરશે?
EPFO અનુસાર, PFની ગણતરી CTCના આધારે કરવામાં આવતી નથી. તેના બદલે PF યોગદાન લાગુ નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે. પરિણામે માત્ર વેતન મર્યાદા વધવાને કારણે CTC આપમેળે બદલાતું નથી. જોકે, કંપનીનો ખર્ચ વધી શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ ₹20,000 થાય છે. હાલમાં, ₹15,000ની મર્યાદા સાથે PF માટે દર મહિને ₹1,800 કાપવામાં આવે છે. નવા નિયમ હેઠળ, આ કપાત વધીને ₹2,400 થઈ શકે છે.
પગારમાં કેટલો ઘટાડો થશે?
જો તમારો PF પાત્ર પગાર ₹20,000 હોય, તો કર્મચારીનું યોગદાન ₹1,800થી વધીને ₹2,400 થઈ શકે છે એટલે કે દર મહિને વધારાના ₹600 PF ખાતામાં જમા થશે. પરિણામે તમારા હાથમાં આવતા પગારમાં દર મહિને આટલો ઘટાડો થશે.
તેવી જ રીતે જો PF પાત્ર પગાર ₹25,000 હોય, તો કર્મચારીનું યોગદાન ₹3,000 થશે. આનો અર્થ એ છે કે દર મહિને તમારા પગારમાંથી વધારાના ₹1,200 PF ખાતામાં જમા થશે, જેનાથી મળતા પગારમાં ઘટાડો થશે.
વધુમાં, જો તમારા એમ્પ્લોયરનું PF યોગદાન પણ તમારા પગાર સ્ટ્રક્ચરમાં ગણવામાં આવતું હોય, તો આ રકમ બમણી થઈ જાય છે. ઉદાહરણ તરીકે, ₹20,000ના પગાર પર ₹1,200ની વધારાની PF કપાત થશે, જ્યારે ₹25,000ના પગાર પર ₹2,400ની વધારાની કપાત લાગુ થશે.
કોના પગારમાં ઘટાડો થશે?
નવી EPF સિસ્ટમ હેઠળ, તેની અસર એવા લોકો પર પડશે જેમનું PF અગાઉ ₹15,000ની વેતન મર્યાદાના આધારે ગણવામાં આવતું હતું પરંતુ હવે ₹25,000ની મર્યાદાના આધારે ગણવામાં આવશે. ₹15,000થી ₹25,000ની વચ્ચે કમાણી કરતા વ્યક્તિઓ માટે PF યોગદાનમાં વધારો થવો નિશ્ચિત છે, જેના પરિણામે તેમના હાથમાં આવતા પગારમાં સ્પષ્ટ ઘટાડો થઈ શકે છે.
જો કે, જેમના PFની કપાત અગાઉથી જ ₹25,000 કે તેથી વધુના બેઝિક પગાર પર કરવામાં આવતી હતી, તેમના હાથમાં આવતા પગારમાં કોઈ ફેરફાર થશે નહીં. PF કપાત પહેલાની જેમ જ ચાલુ રહેશે. જો તેમનો બેઝિક પગાર અને DA મળીને ₹25,000થી વધી જાય, તો પેન્શન ફંડમાં યોગદાન આપવું ફરજિયાત રહેશે નહીં, જોકે તેઓ ઈચ્છે તો યોગદાન આપવાનું પસંદ કરી શકે છે.