)
Gujarat ATS : ભારતની દરિયાઈ સરહદ. જ્યાં અવારનવાર માનવ તસ્કરી, હથિયારોની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો મંડરાતો રહે છે, ત્યાં આ વખતે ડ્રગ માફિયાઓએ ભારતને બરબાદ કરવાનું મોટું નેટવર્ક ગોઠવ્યું હતું પરંતુ, ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના કમાન્ડો સામે ડ્રગ સ્મગલરોનો એક પણ દાવ ચાલ્યો નહીં! વહેલી સવારે લક્ષદ્વીપના પશ્ચિમ ભાગમાં, ભારતથી સેંકડો નોટિકલ માઈલ દૂર, એજન્સીઓએ એક શંકાસ્પદ ઈરાની બોટને ચારેય તરફથી ઘેરી લીધી. દરિયાના મોજાં વચ્ચે કમાન્ડોએ એવું ઓપરેશન કર્યું કે બોટમાં સવાર પાકિસ્તાની સ્મગલરોને ભાગવાનો મોકો જ ન મળ્યો!.
આ આખી કહાની શરૂ થઈ હતી ગુજરાતના અમદાવાદથી! ગત 10મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક વોન્ટેડ ડ્રગ માફિયા અને નાઈજીરિયન પેડલર વચ્ચે એક ગુપ્ત મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં હિન્દુસ્તાનની ધરતી પર 500 કિલોથી વધુ મોતનો સામાન ઉતારવાની ડીલ ફાઈનલ થઈ અને એડવાન્સ હવાલો પણ મોકલાયો પણ આ ડીલની ગંધ ગુજરાત ATSને આવી ગઈ!
ATSના જાંબાઝ અધિકારીઓની ટીમ દરિયામાં રવાના થઈ. એક-બે નહીં, પૂરા 17 દિવસ સુધી દરિયાની વચ્ચે હજારો બોટોની વચ્ચે શંકાસ્પદ બોટની શોધખોળ ચાલી. આખરે 25મી સપ્ટેમ્બરે મુંબઈથી 400 નોટિકલ માઈલ દૂર ઈરાનની આ બોટ ઝડપાઈ ગઈ. સ્મગલર્સ સેટેલાઈટથી કનેક્ટ રહેવા માટે સ્ટાર્લિંક ડિવાઈસ વાપરતા હતા, પણ ભારતની સુરક્ષા એજન્સીઓના ચક્રવ્યૂહ આગળ બધું ફેઈલ સાબિત થયું.
જ્યારે આ આઝાદ નામની ઈરાની બોટને મુંબઈની જેટી પર લાવીને સર્ચ કરવામાં આવ્યું, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા! બોટમાંથી 526 કિલો હાઈ-ક્વોલિટી ડ્રગ્સ મળી આવ્યું, જેમાં 400 કિલો ખતરનાક મેથાફેટામાઈન અને 126 કિલો હેરોઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3,000 કરોડ રૂપિયાથી વધુ છે! બોટમાંથી પકડાયેલા પાંચેય ક્રૂ મેમ્બર પાકિસ્તાનના પેશાવરના રહેવાસી છે.
મહોમદ યાકુબ બ્લુચી, શકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહિદુલ્લાહ...આ મોતનો સામાન ઈરાનના કોચી બંદરેથી નીકળી, પાકિસ્તાનના ગ્વાદર થઈને વાયા મુંબઈ-તમિલનાડુ બાય રોડ પંજાબ પહોંચાડવાનો હતો. ગુજરાત સરહદે કડક ચેકિંગ હોવાથી સ્મગલર્સે આ વખતે રૂટ બદલ્યો હતો, પરંતુ ગુજરાત ATS સામે તેમની એક ન ચાલી....
તહેવારોની સીઝન અને ચૂંટણી નજીક છે, તેવામાં ભારતને નશાના ગર્તામાં ધકેલવાનું પાકિસ્તાન અને ઈરાનનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું ભારતીય એજન્સીઓએ નાકામ કરી દીધું છે. દેશના યુવાધનને બરબાદ થતું બચાવવા માટે આ એક ઐતિહાસિક સફળતા છે...ગુજરાત ATS હવે આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી ચૂકી છે...
અરબી સમુદ્રના મોજાઓ વચ્ચે ભારતની ત્રણ સૌથી શક્તિશાળી એજન્સીઓ- ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ રાઉન્ડ ધ ક્લોક એક એવું ઓપરેશન ચલાવ્યું, જેણે ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટની કમર તોડી નાખી છે. મોદી સરકાર દેશના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે! આ ગર્જના કરી છે દેશના ગૃહમંત્રી અમિત શાહે...ભારતની સરહદો પર આંખ ઉઠાવનારા ડ્રગ માફિયાઓને કેન્દ્રીય ગૃહમંત્રીએ સીધો અને કડક સંદેશ આપી દીધો છે કે હિન્દુસ્તાનની ધરતી પર હવે નશાના સોદાગરોનો કાળ પાક્યો છે!.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન...આ એ 'ડેથ ટ્રાયેન્ગલ' છે જ્યાંથી ભારતને બરબાદ કરવાનો કારસો વારંવાર ઘડાય છે! પરંતુ ડ્રગ માફિયાઓ એ ભૂલી ગયા કે ભારતની દરિયાઈ સરહદો પર હવે કોઈ ઢીલાશ નથી...સપ્લાયરથી લઈને પ્રોડ્યુસર સુધી, અને મધદરિયેથી લઈને પંજાબના રસ્તાઓ સુધી... ગુજરાત ATS અને દેશની સેન્ટ્રલ એજન્સીઓ આ આખા નેટવર્કને હવે નેસ્તનાબૂદ કરીને જ જંપશે.