)
હેતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગરમાં ચૂંટણીનો રણશિંગો ફૂંકાઈ ગયો છે. જિલ્લા પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધી ઉમેદવારો અને કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી અને આખું શહેર ચૂંટણીમય બની ગયું. ભાજપે તમામ 11 વોર્ડના 44 ઉમેદવારો સાથે બપોરે 12 વાગ્યાને 39 મિનિટે ભવ્ય રેલી કાઢી વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. ભાજપના નેતાઓએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
બીજી તરફ કોંગ્રેસે પણ છેલ્લી ઘડીએ બાકી રહેલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. પરંતુ સૌથી મોટી ચર્ચા બની કોંગ્રેસની સિક્રેટ શિફ્ટિંગ. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચી લે તે માટે તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિથી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરી શકે છે, જ્યારે ભાજપ આ આરોપોને ફગાવે છે. ગયા મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આશરે 21 ટકા મત મેળવી કોંગ્રેસનું ગણિત બગાડ્યું હતું. આ વખતે પણ આપે 42 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. એટલે અનેક વોર્ડમાં ત્રિપાખીયો મુકાબલો જોવા મળશે, ભલે મુખ્ય રાજકીય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેન્દ્રિત હોય.
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે નજર ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર છે. ઉમેદવારો ટકશે કે રાજકીય સમીકરણો બદલાશે? ગાંધીનગરનો આ જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે. ઉમેદવારો ટકશે કે રાજકીય સમીકરણો બદલાશે?