)
Gujarat Gyan Guru Quiz : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)ના પ્રથમ સપ્તાહમાં 8,870 વિજેતાઓની યાદી 26 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી છે. જ્ઞાન, જિજ્ઞાસા અને ગુજરાત તથા દેશના વિકાસ વિશેની જાણકારીને પ્રોત્સાહન આપતી આ ઓનલાઈન ક્વિઝમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 18 સપ્ટેમ્બરના રોજ G3Q-2026નો પ્રારંભ થયો હતો. ક્વિઝનું પ્રથમ સપ્તાહ 25 સપ્ટેમ્બરે પૂર્ણ થયું. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ, કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે યોજાયેલી આ ક્વિઝના પ્રથમ સપ્તાહમાં વિવિધ કેટેગરીમાં કુલ 8,870 વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
કઈ કેટેગરીમાં કેટલા વિજેતા?
પ્રથમ સપ્તાહના વિજેતાઓમાં તાલુકા કક્ષાની શાળા કેટેગરીમાં 265 તાલુકામાંથી 10-10 મુજબ કુલ 2650 વિજેતાઓ અને કોલેજ કેટેગરીમાં પણ 2650 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે, 17 મહાનગરપાલિકાઓની શાળા કેટેગરીમાં 30-30 મુજબ 510 વિજેતાઓ તથા કોલેજ કેટેગરીમાં પણ 510 વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
નાગરિક કેટેગરીમાં 34 જિલ્લાઓમાંથી 50-50 મુજબ 1700 વિજેતાઓ તથા 17 મહાનગરપાલિકાઓમાંથી 50-50 મુજબ 850 વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે. આમ, પ્રથમ સપ્તાહમાં શાળા, કોલેજ અને નાગરિક કેટેગરીમાં કુલ 8,870 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે.
G3Q-2026નો મુખ્ય વિષય
G3Q-2026નો મુખ્ય વિષય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની નેતૃત્વ અને સેવા યાત્રા તેમજ ‘વિકસિત ભારત @ 2047’નું વિઝન છે. ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, જાહેર સેવા, ગુજરાતના વિકાસ અને દેશના વિકાસના વિવિધ પાસાં અંગે જાણકારી મેળવવાની તક મળી રહી છે.
કેવી રીતે યોજાશે ગ્રાન્ડ ફાઈનલ?
G3Q-2026 અંતર્ગત કુલ આઠ સપ્તાહ સુધી તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ જિલ્લા તથા રાજ્ય સ્તરે ગ્રાન્ડ ફાઈનલ યોજવામાં આવશે. સમગ્ર ક્વિઝ માટે રૂ.11.74 કરોડથી વધુની ઈનામ રકમ નિર્ધારિત કરવામાં આવી છે. સમગ્ર સ્પર્ધામાં 70,000થી વધુ વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધા તેમના બેંક ખાતામાં ઈનામની રકમ જમા કરવામાં આવશે.
27 સપ્ટેમ્બરથી બીજા સપ્તાહનો પ્રારંભ
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓ તથા નાગરિકોને G3Q-2026માં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને જ્ઞાનની આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. G3Q-2026નું બીજું સપ્તાહ 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાશે. બીજા સપ્તાહના વિજેતાઓની જાહેરાત 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
G3Q-2026ના વિજેતાઓની યાદી તેમજ ક્વિઝ અંગેની વિગતવાર માહિતી માટે સત્તાવાર પોર્ટલ www.g3q.ai અને quiz.g3q.ai ની મુલાકાત લઈ શકો છો.