)
ગૌરવ દવે, રાજકોટ : જે હાથ ખેતરમાં મહેનત કરીને અન્ન ઉગાડે છે, એ જ ખેડૂતોને નિશાન બનાવવાનો કથિત ખેલ રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ખેડૂતોની આર્થિક મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા હતા. રાજકોટ અને અમદાવાદ શહેરમાં ધમધમતા બે હાઈટેક કોલસેન્ટરો પર પોલીસે ત્રાટકીને આખા કૌભાંડનો ભાંડો ફોડ્યો છે.
આ કોલસેન્ટરોના માધ્યમથી ભોળા અને અજ્ઞાની ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હતો. ખેડૂતોને વ્યાજે નજીવી રકમ આપીને, તેમની કરોડોની કિંમતી જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેવાનો ખેલ ચાલતો હતો.
મજબૂરીનો ફાયદો, જમીન પર નજર
આરોપીઓ એટલા શાતિર હતા કે તેઓ 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ', 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ' જેવા ભ્રામક નામોથી પેઢીઓ ચલાવતા હતા. રાજકોટના કોલસેન્ટર પરથી 14 જેટલી મહિલાઓ ખેડૂતોને જાળમાં ફસાવવા માટે ફોન કરતી હતી. જ્યારે ખેડૂત જમીન પાછી માંગે, ત્યારે અગાઉ લીધેલી રકમ કરતાં કરોડો રૂપિયા વધુ માંગવામાં આવતા હતા. પોલીસના દરોડા દરમિયાન રાજકોટ, મોરબી, જામનગર સહિતના વિવિધ જિલ્લાના 32 જેટલા ખેડૂતોના ૭/૧૨, ૮-અ અને આધારકાર્ડ જેવા ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા.
જેલમાંથી ચાલતું હતું આખું નેટવર્ક
પરંતુ આ કૌભાંડના મૂળિયાં ક્યાંક વધુ ઊંડા અને ચોંકાવનારા છે. આ આખું નેટવર્ક જેલની અંદર બંધ કુખ્યાત અલ્પેશ દોંગા અને બહારથી તેનો સાગરીત અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ ઓપરેટ કરી રહ્યા હતા. અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉથી જ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 13 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આ કેસમાં હિરેન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે જેલમાં બંધ અલ્પેશ દોંગાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવવા તજવીજ શરૂ કરી છે.
લોનની જાળ બિછાવીને જગતના તાતની જમીન હડપ કરનારા આ વ્યાજખોરો આખરે કાયદાના સકંજામાં આવી ગયા છે. પરંતુ આ ઘટના એ તમામ ખેડૂતો માટે લાલબત્તી સમાન છે જેઓ મજબૂરીમાં આવીને આવા અજાણ્યા કોલસેન્ટરોના શિકાર બને છે.
નાની જરૂરિયાત માટે લેવાયેલી રકમ અને સામે કરોડોની જમીન રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં જમીન સાથે જોડાયેલી આ કથિત ઠગાઈનું નેટવર્ક સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં મહત્વનો સવાલ એ છે કે કેટલા ખેડૂતો આ નેટવર્કનો ભોગ બન્યા અને જમીનના આ ખેલમાં હજુ કેટલા ચહેરા સામેલ છે?