)
Dabhoi Murder Case : વડોદરા રૂરલના ડભોઇ પંથકમાં 24 સપ્ટેમ્બરના રોજ એ સમયે ચકચાર મચી ગઈ, જ્યારે સાઠોદ ગામના તળાવમાંથી એક બિનવારસી લાશ મળી આવી. લાશ સામાન્ય હાલતમાં નહોતી, મૃતકના હાથ અને પગ દોરીથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ડભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક ગુરુ શરણ ઉર્ફે ભીમા તડવીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક LCB, SOG સહિત આઠ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
મહેશે સગા ભાઈનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો
પોલીસે જ્યારે મૃતકના પરિવારની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે ઘરના જ એક સદસ્યના ચહેરા પરથી માસ્ક ઉતરી ગયું.આ ગુનો બીજો કોઈએ નહીં પણ મૃતકના સગા ભાઈ મહેશ તડવીએ જ કર્યો હતો. મૃતક ગુરુશરણ અપરિણિત હતો અને ભાઈ-ભાભી સાથે જ રહેતો હતો. તે અવારનવાર ઘરમાં જમવા બાબતે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો. 23 સપ્ટેમ્બરની રાત્રે પણ જમવાની થાળી બાબતે જ ઘરમાં મોટો કંકાસ થયો અને ગુસ્સામાં આવીને ભાઈ મહેશે સગા ભાઈનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો.
હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે આરોપી મહેશે રાતના અંધારાની રાહ જોઈ. પુરાવાનો નાશ કરવા માટે લાશના હાથ-પગ દોરીથી બાંધ્યા જેથી તે પાણીની ઉપર ન આવે અને ઘરથી 100 મીટર દૂર તળાવમાં લાશ ફેંકી દીધી.
હાલ તો પોલીસે નરાધમ ભાઈ મહેશ તડવીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ સવાલ એ છે કે 100 મીટર દૂર લાશ લઈ જવામાં શું કોઈ અન્ય મદદગાર હતો? પોલીસ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
તડવીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો
જમવાની એક થાળી...અને સગા ભાઈની લોહીની હોળી! જે ભાઈ નાનપણમાં એકસાથે એક જ થાળીમાં જમતા હતા, આજે એ જ ભોજનની થાળી એક ભાઈની ચિતા અને બીજા ભાઈ માટે જેલની કોટડી બની ગઈ. ક્ષણિક ગુસ્સો અને જીદ્દે એક હસતા-રમતા પરિવારનો માળો વિંખી નાખ્યો. કળિયુગના આ નરાધમ ભાઈ મહેશ તડવીને પોલીસે જેલના સળિયા પાછળ તો ધકેલી દીધો છે, પણ સાઠોદ ગામની આ ઘટના સમાજ સામે એક મોટો સવાલ મૂકી ગઈ છે કે શું સંબંધોમાં સહનશીલતા હવે સાચે જ ખતમ થઈ ગઈ છે?...