)
અમેરિકાના કેલિફોર્નિયાના દાના પોઈન્ટમાં પેસિફિક કિનારે આવેલા ઘરોનું ભવિષ્ય જોખમમાં છે. ભરતીના વધતા સ્તર, તોફાની મોજાં અને લાંબા સમયથી ચાલી રહેલા દરિયાકાંઠાના ધોવાણને કારણે ઘણાં ઘરો દરિયામાં ગરકાવ થઈ ગયાં છે અથવા ધરાશાયી થવાની અણી પર છે. મકાનમાલિકો હવે પોતાના ખર્ચે પથ્થરની દીવાલો બનાવીને દરિયાના પાણીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દરિયામાં ડૂબી રહ્યા છે ઘરો
આ પગલાને કારણે ખાનગી મિલકતના અધિકારો અને જાહેર દરિયાકિનારાના સંરક્ષણ વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ વધુ તીવ્ર બની રહ્યો છે. દાના પોઈન્ટમાં બીચ રોડ પર આવેલા ઘણાં ઘરોને રેડ ટેગ અથવા યલો-ટેગ કરવામાં આવ્યા છે. કેટલાક ઘરો તો પહેલેથી જ સંપૂર્ણપણે દરિયામાં ડૂબી ગયા છે.
શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર
આગામી અઠવાડિયામાં અલ નિનોને કારણે વધુ શક્તિશાળી મોજાં આવવાનું જોખમ હોવાથી સ્થાનિકો આ માળખાઓને કાયમી સ્વરૂપ આપવા માંગે છે. કોસ્ટલ કમિશને 17 મિલકતોના રક્ષણ માટે કામચલાઉ બેરિયર્સ ઊભા કરવાની મંજૂરી આપતા કટોકટીના પરમિટ જાહેર કર્યા છે. જોકે, ઘણા મકાનમાલિકો જરૂરી કાગળો પર સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે, કારણ કે જો કાયમી મંજૂરી ન મળે તો 120 દિવસ પછી આ દીવાલો દૂર કરવી પડી શકે છે.
કોસ્ટલ કમિશન જણાવે છે કે દરિયાઈ દિવાલો ઘરોને કામચલાઉ રાહત આપી શકે છે, પરંતુ તે ધોવાણને વધારી શકે છે અને દરિયાકિનારાને ખતમ કરી શકે છે. કમિશનના પ્રવક્તા જોશુઆ સ્મિથે જણાવ્યું હતું કે એજન્સી વર્ષોથી સમુદાય અને શહેર સાથે મધ્યમથી લાંબા ગાળાની વ્યૂહરચનાઓ જેમ કે રેતી ફરી ભરવી, કોબલસ્ટોન બર્મ્સ સ્થાપિત કરવા અથવા ઘરોને ઉંચા કરવા પર ચર્ચા કરી રહી છે.
કેટલાક ઘરોને મોટું નુકસાન
1950ના દાયકામાં રેતી પર બનેલા કેટલાક ઘરોને મોટું નુકસાન થયું છે. એક્સપર્ટે ચેતવણી આપે છે કે આબોહવા પરિવર્તનને કારણે દરિયાનું સ્તર વધી રહ્યું છે અને તોફાનો તીવ્ર બની રહ્યા છે. અપેક્ષિત અલ નીનોને કારણે શિયાળા દરમિયાન વધુ નુકસાન થવાની ધારણા છે.
ઘરમાલિકોની દલીલ છે કે તેઓ ટેક્સ ચૂકવે છે, તેથી તેમની મિલકતનું રક્ષણ કરવાનો અધિકાર ધરાવે છે. ઘણી સેલિબ્રિટી અને શ્રીમંત પરિવારોના અહીં ઘર છે. તેનાથી વિપરીત પર્યાવરણવીદો અને કમિશન જાહેર બીચને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. જો દિવાલો કાયમી બની જાય, તો રેતીનું ધોવાણ ઝડપી થઈ શકે છે, જેના કારણે દરિયાકિનારો અદૃશ્ય થઈ શકે છે.
આબોહવા કટોકટીના આ યુગમાં આ સંઘર્ષ કેલિફોર્નિયા જેવા અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળશે. દાના પોઈન્ટ ખાતેની લડાઈ ખાનગી મિલકત સંરક્ષણ અને સામૂહિક પર્યાવરણીય સંરક્ષણને સંતુલિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ઘરમાલિકો તેમની મિલકતો બચાવવા માટે લડી રહ્યા છે, જ્યારે પ્રકૃતિ પોતાનો માર્ગ બનાવી રહી છે.