)
ભારત દેશને 1947માં અંગ્રેજોના શાસનથી આઝાદી મળી. દેશે દાયકાઓ બાદ સ્વતંત્ર હવામાં શ્વાસ લીધા. ત્યારે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બન્યા હતા. પરંતુ તેમના પ્રધાનમંત્રી બનવા પાછળ પણ એક કહાની છે. આ કિસ્સો વર્ષ 1946ના સમયનો છે. તે સમયે દેશ આઝાદ થવાની વાતો થતી હતી. આઝાદી મળી નહતી પરંતુ આ છતાં એક વચગાળાની સરકાર બનાવવાની હતી. આ માટે કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી કરવાની હતી. જે કોંગ્રેસ અધ્યક્ષ બને તે વચગાળાની સરકારના વડા એટલે કે પ્રધાનમંત્રી બને એવું હતું.
કેમ કોંગ્રેસના અધ્યક્ષની કરવાની હતી પસંદગી?
સ્થિતિ એવી હતી કે બીજુ વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને ભારત છોડો આંદોલન પણ દેશમાં જોરશોરથી હતું જેના કારણે વર્ષ 1940 થી લઈને 1946 સુધી કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી થઈ નહતી. ત્યારે મૌલાના અબુલ કલામ આઝાદ જ સતત કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા હતા. આથી એપ્રિલ 1946માં કોંગ્રેસમાં નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
કઈ રીતે કરાઈ હતી ચૂંટણી?
એ વખતે કોંગ્રેસ સંગઠન નિયમો મુજબ 15 પ્રાંતીય કોંગ્રેસ સમિતિઓ પાસે કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે નામો માંગવામાં આવ્યા હતા અને આ 15 સમિતિઓમાંથી 12 સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સૂચવ્યું હતું જ્યારે બાકીની સમિતિઓએ કોઈના નામનો પ્રસ્તાવ આગળ ધર્યો નહતો. એટલે કે કોઈ પણ સમિતિએ જવાહરલાલ નહેરુનું નામ સૂચવ્યું નહતું. એ રીતે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના અધ્યક્ષ બનવા જોઈતા હતા અને તેઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવાને આરે હતા. પરંતુ એવું બન્યું નહીં.
આ રીતે નહેરુ બન્યા અધ્યક્ષ અને પછી પ્રધાનમંત્રી
મહાત્મા ગાંધીના પૌત્ર અને પ્રોફેસર રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તક Patel: A Life માં આ અંગે ઉલ્લેખ કર્યો હતો. પુસ્તકમાં આચાર્ય જે બી કૃપલાનીની ભૂમિકાનો વિસ્તૃત રીતે ઉલ્લેખ છે. કઈ રીતે ગાંધીજીના સૂચન બાદ તેમણે કોંગ્રેસ કાર્યસમિતિઓના સભ્યોની સહીઓ કરાવીને નહેરુના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. મહાત્મા ગાંધી વ્યક્તિગત રીતે જવાહરલાલ નહેરુને કમાન સોંપવાની તરફેણમાં હતા.
શું માનતા હતાં ગાંધીજી?
એક ઈશારો અને નહેરુ બન્યા પીએમ!
સમિતિઓના પરિણામોમાં તો સરદાર પટેલને બહુમત મળી ગયું પરંતુ ત્યારબાદ બાપુએ CWCની એક બેઠક બોલાવી અને નહેરુને કહ્યું કે પ્રાંતીય સમિતિઓએ તમારા નામની જગ્યાએ પટેલનું નામ સૂચવ્યું છે. તો તમારે શું કહેવું છે? નહેરુ ત્યારે કશું બોલ્યા નહીં. પરંતુ તેમનું મૌન એ દર્શાવતું હતું કે તેઓ નંબર બે બનવા તૈયાર ન હતા. નહેરુની ચૂપ્પી અને જીદ જોતા ગાંધીજીએ સરદાર પટેલ સામે જોયું અને ફક્ત ઈશારામાં જાણે ઉમેદવારી પાછી ખેંચવાનો સંકેત આપી દીધો. સરદાર પટેલને ગાંધીજી પર પૂરેપૂરો ભરોસો હતો. તેમણે જરાય વિલંબ કર્યા વગર ખિસ્સામાંથી કાગળ કાઢીને કોંગ્રેસ અધ્યક્ષ પદની ઉમેદવારી છોડી અને કાગળ ગાંધીજીને સોંપ્યો. ત્યારબાદ આચાર્ય જેબી કૃપલાણીએ નહેરુના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. બધાએ હસ્તાક્ષર કર્યા અને નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી પણ બન્યા.