)
ઉજ્જૈનમાં કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર વચ્ચે લગભગ 900 મીટર લાંબા માર્ગને 15 મીટર સુધી પહોળો કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટના દાયરામાં આવતી ઐતિહાસિક શાહી મસ્જિદના આગળના ભાગ અને મીનારને હટાવવાની પ્રક્રિયાના વિરોધમાં સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ઉજ્જૈનમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો અને કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડને હટાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જો કે શહેરના પોલીસ અધીક્ષક (એસપી) અને પ્રશાસનિક અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે રસ્તાઓ પહોળા કરવામાં વચ્ચે આવતા ધાર્મિક કે વ્યવસાયિક અતિક્રમણોને હટાવવાનું કામ આપસી સહમતીથી થઈ રહ્યું છે.
શહેરના કાજી ખલીલ ઉર રહેમાને એક વીડિયો બહાર પાડીને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે પ્રશાસન અને મસ્જિદ કમિટી વચ્ચે રાતે જ આપસી સહમતીથી મામલો ઉકેલાઈ ગયો હતો અને મસ્જિદનો નિર્ધારિત ભાગ હટાવવાના કાર્યને સમજૂતિ હેઠળ જ કરાઈ રહ્યું છે.
શું છે મામલો
વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશની ધાર્મિક નગરી તરીકે જેની ગણતરી થાય છે તે ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ 2028ની ભવ્ય અને સુરક્ષિત તૈયારીઓને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશ શાસન, ઉજ્જૈન નગર નિગમ અને જિલ્લા પ્રશાસન દ્વારા મોટા પાયે માસ્ટર પ્લાન હેઠળ રસ્તાઓ પહોળા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ સિંહસ્થ મેળામાં દેશ વિદેશથી લગભગ 40 કરોડથી વધુ લોકો આવે તેવી સંભાવના છે. જેના કારણે આવાગમનને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે શહેરના સાંકડા રસ્તાઓ ખાસ કરીને મહાકાલ મંદિર વિસ્તાર, ગોપાલ મંદિર, કેડી ગેટ, કોયલા ફાટક, કંઠાલ ચાર રસ્તા, છત્રી ચોક અને ઢાબા રોડ જેવા વ્યસ્ત માર્ગોને પહોળા કરાઈ રહ્યા છે.
આ રસ્તા પહોળી કરવાના અભિયાનમાં એલાઈનમેન્ટના દાયરામાં આવતા ધાર્મિક સ્થળો જેમાં મંદિર, મસ્જિદ, મજાર બધુ સામેલ છે. તેને લઈને ચર્ચા વિવાદ ચાલુ છે.
હાઈકોર્ટમાં અરજી ફગાવાઈ
બીજી બાજુ ઉજ્જૈનની શાહી મસ્જિદ કમિટી તરફથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં જે અરજી લગાવવામાં આવી હતી તેને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ફગાવી દીધી છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, જ્યારે જિલ્લા પ્રશાસન અને મસ્જિદ કમિટી વચ્ચે સમજૂતિ થઈ ગઈ તો કોઈ આધાર બનતો નથી. આવામાં મંગળવારે કમિટીના લોકો પોતે જ આ હિસ્સો હટાવી રહ્યા છે. ઉજ્જૈનમાં કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર સુધી રસ્તો પહોળો કરવા માટે મંગળવારે પણ કાર્યવાહી ચાલુ રહેશે. અહીં લગભગ 200થી વધુ ઘરોના ભાગ તોડાઈ રહ્યા છે.
272 મકાનો અને ધાર્મિક સ્થળો
હનુમાન મંદિર અને શાહી મસ્જિદ
હવે કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર માર્ગ વચ્ચે ફક્ત હનુમાન મંદિર અને શાહી મસ્જિદના ભાગને હટાવાનું કામ રહ્યું છે. ઊભા હનુમાન મંદિરનો ભાગ પણ હટાવી દેવાયો છે. અહીં હજુ જો કે કેટલોક હિસ્સો હટાવવાનો બાકી છે. જ્યારે શાહી મસ્જિદનો ભાગ હટાવવા ઉપર પણ સહમતિ બની ચૂકી છે. પરંતુ આમ છતાં ઉજ્જૈનમાં પોલીસ એલર્ટ મોડ પર છે.