)
Rohit Sharma Record : 19 વર્ષ પહેલાં MS ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ICC ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો હતો. T20 વર્લ્ડ કપની પ્રથમ સિઝન 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. એ જ વર્ષે બાંગ્લાદેશ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
જે બાદ ધોનીના નેતૃત્વમાં યુવા ખેલાડીઓની ટીમને T20 વર્લ્ડ કપમાં રમવા માટે મોકલવામાં આવી હતી. કોઈને અપેક્ષા નહોતી કે ભારત આ ટુર્નામેન્ટ જીતશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો. આ દરમિયાન રોહિત શર્માએ એક એવો રેકોર્ડ બનાવ્યો, જે છેલ્લા 19 વર્ષથી અકબંધ છે.
છેલ્લા 19 વર્ષથી અકબંધ છે આ રેકોર્ડ
આ રેકોર્ડ સૌથી યુવા ભારતીય ખેલાડી તરીકે ICC ટ્રોફી જીતવાનો છે. રોહિત શર્માએ 20 વર્ષ અને 147 દિવસની ઉંમરે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. આ રેકોર્ડ અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી તોડી શક્યો નથી. આ રેકોર્ડ છેલ્લા 19 વર્ષથી અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે, તેણે આ જ ટુર્નામેન્ટ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની કરો યા મરો મેચમાં રોહિતે પોતાની પ્રથમ મેચમાં જે ભારત માટે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલમાં તેણે 5 બોલમાં અણનમ 8 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન સામેની ફાઇનલમાં તેણે 16 બોલમાં અણનમ 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
કોહલી પણ છે આ યાદીમાં
આ યાદીમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે, જેણે 22 વર્ષ અને 148 દિવસની ઉંમરે 2011નો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. જોકે, તે આ યાદીમાં ચોથા સ્થાને છે.
ICC ટ્રોફી જીતનાર સૌથી ઓછી ઉંમરના ભારતીય ખેલાડીઓ
| ખેલાડી | ઉંમર | ટુર્નામેન્ટ |
|---|---|---|
| રોહિત શર્મા | 20 વર્ષ 147 દિવસ | T20 વર્લ્ડ કપ 2007 |
| આર. પી. સિંહ | 21 વર્ષ 292 દિવસ | T20 વર્લ્ડ કપ 2007 |
| રોબિન ઉથપ્પા | 21 વર્ષ 317 દિવસ | T20 વર્લ્ડ કપ 2007 |
| વિરાટ કોહલી | 22 વર્ષ 148 દિવસ | વનડે વર્લ્ડ કપ 2011 |
| ઇરફાન પઠાણ | 22 વર્ષ 332 દિવસ | T20 વર્લ્ડ કપ 2007 |
ભારત-પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ અત્યંત રોમાંચક રહી હતી
પ્રથમ બેટિંગ કરતા ગૌતમ ગંભીરની 75 રનની શાનદાર ઇનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 158 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જો રોહિત શર્માએ અંતિમ તબક્કે મહત્વપૂર્ણ યોગદાન ન આપ્યું હોત, તો ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હોત.
આ ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે એવું લાગતું હતું કે ભારત સરળતાથી મેચ જીતી જશે. જો કે, તેમ ન થયું. મિસ્બાહ-ઉલ-હકે 38 બોલમાં 43 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ભારતની મુશ્કેલી વધારી હતી, પાકિસ્તાને હરભજન સિંહની 17મી ઓવરમાં ત્રણ સિક્સરની મદદથી 19 રન અને ત્યારબાદ 18મી ઓવરમાં 15 રન બનાવીને મેચમાં વાપસી કરી હતી.
6 બોલમાં 13 રનની જરૂર હતી
19મી ઓવરમાં ભજ્જીએ માત્ર 7 રન આપ્યા, જેનાથી મેચ અત્યંત રોમાંચક બની ગઈ. જ્યારે પાકિસ્તાનને 6 બોલમાં 13 રનની જરૂર હતી, ત્યારે ધોનીએ છેલ્લી ઓવર જોગિંદર શર્માને આપી. તેણે પ્રથમ બોલ વાઈડ નાખ્યો, ત્યારબાદ ધોનીએ તેની સાથે વાતચીત કરી. મિસ્બાહ આગામી બોલ ચૂકી ગયો, પરંતુ ત્યારબાદ તેણે સિક્સર ફટકારી. ત્યારબાદ સ્કૂપ શોટ રમવાના પ્રયાસમાં મિસ્બાહ આઉટ થયો. શ્રીસંતે લીધેલો તે કેચ આજે પણ બધાને યાદ હશે.