)
હા...તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ અર્થતંત્રની પીઠમાં છરો ભોંકવાનું એક બહુ મોટું આંતરરાજ્ય કાવતરું ઘડાયું હતું પરંતુ કેવી રીતે આ કાવતરૂ સફળ થાય તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો છે.
ગુજરાતના આર્થિક પાટનગરો સમાન બે મોટા શહેરોમાં નકલી નોટોનો મોટો ખેલ ચાલી રહ્યો હતો પણ માર્કેટમાં આ નકલી ચલણ ફરે અને અર્થતંત્રને નુકસાન પહોંચાડે તે પહેલા જ પોલીસે સપાટો બોલાવ્યો છે. રાજકોટ અને સુરત પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને નકલી નોટોના નેટવર્કને ધ્વસ્ત કરી નાખ્યું છે.
રાજકોટના શ્યામ કિરણ પાર્કમાં એસઓજી અને ડીસીબીએ ઘરમાં ચાલતી આખી નકલી નોટોની ફેક્ટરી પકડી પાડી છે. અહીં શાકભાજી વેચતો કિશન સોલંકી સોશિયલ મીડિયા પરથી નોટો છાપવાનું શીખ્યો હતો અને 10,000ની નકલી નોટો સામે 3000 રૂપિયા અસલી મેળવતો હતો. તો બીજી તરફ, સુરતના ગોડાદરામાં દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગા નામના રાજસ્થાની યુવકને 500ના દરની 165 નકલી નોટો ભરેલી બેગ સાથે દબોચી લેવાયો છે.
આ માત્ર બે છૂટાછવાયા કિસ્સા નથી, પણ નકલી નોટો ઘુસાડવાનું બહુ મોટું કાવતરું હોવાની શંકા છે. સુરતમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં આસામના ગુવાહાટીનું કનેક્શન સામે આવ્યું છે. તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે આરોપી બજારમાં આવી નકલીનોટો ઘુસાડવાની પેરવીમાં હતા, પરંતુ પોલીસે સમયસર આ આખા નેટવર્કની કમર તોડી નાખી છે.
500ના દરની કુલ 165 ડુપ્લિકેટ નોટો મળી
પોલીસના આ મેગા ઓપરેશનમાં રાજકોટ અને સુરત બંને શહેરોમાંથી કઈ નોટો કેટલી માત્રામાં પકડાઈ છે, તેના સત્તાવાર આંકડા પણ સામે આવ્યા છે. રાજકોટના શ્યામ કિરણ પાર્કમાંથી પોલીસને 100ના દરની 216 નકલી નોટો અને500ના દરની 3 નકલી નોટો મળી આવી છે. આ સાથે જ પ્રિન્ટર અને સ્કેનર સહિત કુલ 65,500નો મુદ્દામાલ કબજે કરાયો છે તો સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પકડાયેલા આરોપી પાસેથી 500ના દરની કુલ 165 ડુપ્લિકેટ નોટો મળી આવી છે. આ સિવાય તેની પાસેથી અન્ય અસલ ચલણી નોટો અને મોબાઈલ સહિત કુલ 3,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બજારમાં આ નકલી નોટો અસલી તરીકે વટાવવામાં આવે અને નિર્દોષ વેપારીઓ કે નાગરિકો છેતરાય તે પહેલા જ પોલીસે સપાટો બોલાવી દીધો છે. દિવાળી અને તહેવારોની સીઝનનો ફાયદો ઉઠાવી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું ષડયંત્ર ખાખીની સતર્કતાને કારણે ફ્લોપ સાબિત થયું છે.