)
Delta Career Academy : જૂનાગઢ શહેરની ડેલ્ટા કરિયર એકેડેમી અને અહીંથી સામે આવ્યો છે એક ગંભીર આક્ષેપ. ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીના કેટલાક અસાઇનમેન્ટ પ્રશ્નો અધૂરા રહ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે આ કારણસર વિદ્યાર્થીને આશરે 300 જેટલી ઉઠક-બેઠકની સજા કરવામાં આવી.
આટલું જ નહીં, વિદ્યાર્થીને ડરાવવા માટે હાથમાં વાયર રાખવામાં આવ્યો હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કથિત સજા બાદ વિદ્યાર્થીની તબિયત અચાનક બગડી હતી. ચાલવામાં અને બેસવામાં તકલીફ સાથે ઉલ્ટી જેવી ફરિયાદો થતાં પરિવારજનો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.
બે દિવસ વિદ્યાર્થીને ICUમાં રાખવામાં આવ્યો
હોસ્પિટલમાં તપાસ અને સીટી સ્કેન સહિતની મેડિકલ પ્રક્રિયા બાદ વિદ્યાર્થીને સઘન સારવાર આપવામાં આવી હોવાનું પરિવારનું કહેવું છે. પરિસ્થિતિ ગંભીર બનતાં શરૂઆતના બે દિવસ વિદ્યાર્થીને ICUમાં રાખવામાં આવ્યો હતો. હાલ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી છે.

સમગ્ર ઘટનાને લઈને ભૂલ સ્વીકારી સમજાવટનો પ્રયાસ
ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં રોષ ફેલાયો છે. પરિવારના જણાવ્યા મુજબ, મેડિકલ રિપોર્ટ્સ સાથે એકેડેમીના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંચાલકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારના કહેવા મુજબ, સમગ્ર ઘટનાને લઈને પોતાની ભૂલ સ્વીકારી સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે વિદ્યાર્થી અને તેના પરિવારજનોના નિવેદન લીધા
આ દરમિયાન હોસ્પિટલ દ્વારા મેડિકો-લીગલ કેસ એટલે કે MLC નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિદ્યાર્થી અને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે એકેડેમીના સંચાલક સહિત સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
શિક્ષણના સ્થળે શિસ્તના નામે સજા કેટલી હદે જઈ શકે?. જૂનાગઢની આ ઘટનાએ હવે આ જ સવાલ ઊભો કર્યો છે. સગીર વિદ્યાર્થી સાથે થયેલા કથિત વર્તન અંગે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના અંતે હકીકત શું છે તે સ્પષ્ટ થશે.
શિક્ષણના સ્થળે શિસ્તના નામે સજા કેટલી હદે જઈ શકે?
એક તરફ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે...તો બીજી તરફ પરિવારજનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સગીર વિદ્યાર્થીની ઓળખ કાયદાકીય કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે. હવે સવાલ એ છે કે શિક્ષણના નામે શારીરિક સજા આપવાની આ કથિત ઘટના સામે કાયદો શું કાર્યવાહી કરે છે?...