)
Laval Village Controversy: તાજેતરમાં સર્જાયેલા વિવાદ અંગે મહિપતસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપતા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના ગામનો આંતરિક મામલો છે અને ઝઘડો પણ અન્ય લોકો વચ્ચે થયો હતો, જે ફરિયાદ પરથી પણ સ્પષ્ટ થાય છે. તેમ છતાં, દરેક બાબતમાં મારું નામ ઘસડી લાવવાનો ખોટો પ્રયાસ થઈ રહ્યો છે. જરૂરિયાત કરતાં વધુ દાદાગીરી વધે ત્યારે કાયદાકીય પગલાં અને ફરિયાદ અનિવાર્ય બની જાય છે, જેથી લોકોમાં સુધારો આવે.
દીકરા અને પરિવાર સામેના આક્ષેપો અંગે વળતો પ્રહાર
લોકો દ્વારા તેમના દીકરા પર ગેરમાર્ગે દોરાવાના લાગેલા આક્ષેપો અંગે મહિપતસિંહે કહ્યું કે, "માત્ર તે મારો દીકરો છે એટલા માટે જ તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. વિરોધીઓ પણ જાહેરમાં સ્વીકારે છે કે હું સારું કામ કરું છું, પરંતુ હવે મારા પરિવાર, પત્ની અને દીકરાને વચમાં લાવીને મારું નામ ખરાબ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. મને એ વાતનું ખાસ દુઃખ છે કે આ વિવાદમાં ગામની એક નિર્દોષ દીકરીનું નામ પણ ચગાવવામાં આવ્યું છે."
પત્ની પર લાગેલા આક્ષેપો પર સ્પષ્ટતા
પોતાના પત્ની પર ફરિયાદીના ઘરે હુમલો કરવા જવાના આક્ષેપોને નકારતા તેમણે જણાવ્યું કે, કોઈ ટોળું દેખાઈ જવાથી એવું સાબિત નથી થતું કે મારી પત્ની ત્યાં હતી કે કોઈના પર દંડો લઈને હુમલો કરવા ગઈ હતી. છેલ્લા બે દિવસથી સંયમ જાળવીને હું સ્થિતિ જોઈ રહ્યો છું, પણ સ્પષ્ટ દેખાય છે કે દરેક વાતમાં મહિપતસિંહને જ નિશાન બનાવાય છે.
દીકરાની સંડોવણી અને વાયરલ સ્ટેટસ અંગે
મહિપતસિંહે સ્પષ્ટ કર્યું કે વાયરલ સ્ટેટસ કે આ સમગ્ર ઘટના સાથે તેમના દીકરાને કશી જ લેવાદેવા નથી. સામે પક્ષનો એકમાત્ર હેતુ ગમે તેમ કરીને તેમના દીકરાનું નામ વચ્ચે લાવીને વિવાદ ઊભો કરવાનો છે.
વિરોધીઓને શાંતિ જાળવવાની અપીલ
વિરોધીઓને આકરા શબ્દોમાં સંદેશ આપતાં મહિપતસિંહે જણાવ્યું કે, "હવે તમે પણ શાંતિથી જીવો અને અમને પણ શાંતિથી અમારું કામ કરવા દો. દીકરાને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો. અમે હવે શાંતિ ઈચ્છીએ છીએ, પણ જો સામે પક્ષે ઝઘડો જ કરવો હશે તો આગળ પણ કાયદાકીય ફરિયાદો થશે."
"મહિપતસિંહ અને વિવાદ હવે સમાનાર્થી બની ગયા છે"
અન્ય વિવાદો અંગે સ્વસંકલ્પપૂર્વક વાત કરતા તેમણે ઉમેર્યું કે, "હું છેલ્લા 10 વર્ષથી જાહેર જીવનમાં છું અને જ્યારથી માર્કેટમાં આવ્યો છું ત્યારથી જ વિવાદો મારી સાથે જોડાયેલા છે. હવે તો એવું લાગે છે કે મહિપતસિંહ અને 'વિવાદ' બંને એકબીજાના સમાનાર્થી શબ્દો બની ગયા છે."