)
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય ખેડૂત ક્યારેય સમજી જ ન શકે. લોનની પ્રોસેસના બહાને અરજદારોને સીધા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે બોલાવવામાં આવતા હતાત્યાં સાટાખત કરવાના બહાને ખેડૂતોની જાણ બહાર જમીનનો સીધો વેચાણ દસ્તાવેજ જ કરાવી લેવામાં આવતો હતો!
ખેડૂતને શંકા ન જાય તે માટે જંત્રી મુજબની લાખો-કરોડોની રકમ તેમના બેંક ખાતામાં ઓનલાઈન જમા પણ કરી દેવાતી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અલ્પેશ અને તેની ટોળકી અત્યાર સુધીમાં 40 કરોડથી વધુની જમીનના વેચાણ દસ્તાવેજો પોતાના નામે કરાવીને ખેડૂતોને કંગાળ કરી ચૂકી છે!.
ધાર્મિક નામોથી આખી બોગસ પેઢીઓ ચલાવતા
આ આખા રેકેટને ચલાવવા માટે રાજકોટના કોલસેન્ટર પર 14 જેટલી મહિલા ટેલીકોલર્સ રાખવામાં આવી હતી. આ મહિલાઓનું કામ માત્ર આખા ગુજરાતના નિર્દોષ ખેડૂતોને ફોન કરીને સસ્તી ટકાવારીએ લોન આપવાની લાલચમાં ફસાવવાનું હતું. આરોપીઓ એટલા શાતિર હતા કે તેઓ સામાન્ય અને ભોળા લોકોને છેતરવા માટે ધાર્મિક નામે બોગસ પેઢી ઉભી કરી હતી. 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ', 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ' જેવા ભ્રામક અને ધાર્મિક નામોથી આખી બોગસ પેઢીઓ ચલાવતા હતા.
20 હજાર મહિલાઓને એકત્રિત કરવાનો ટાર્ગેટ
આ મહાઠગ અલ્પેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત અને જામનગરમાં બે ગુના દાખલ થઈ ચૂક્યા છે, જ્યારે વધુ આઠ ગુના દાખલ કરવાની પ્રોસેસ ચાલુ છે પણ સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, અલ્પેશ પોતાની ગુનાહિત ઈમેજનું મેક ઓવર કરવા અને નવા વિશ્વાસપાત્ર ગ્રાહકો મેળવવા માટે આગામી 20 ડિસેમ્બર 2026ના રોજ ગીતા જયંતી નિમિત્તે અમદાવાદમાં એક મોટો કાર્યક્રમ યોજવાનો હતો! આ ધાર્મિક કાર્યક્રમમાં 'ગીતા' નામ ધરાવતી 20 હજાર મહિલાઓને એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો.
4,800 ગીતા નામની મહિલાઓનો ડેટા પણ મળી આવ્યો
રાજકોટ અને અમદાવાદના કોલ સેન્ટરોમાંથી પોલીસને આવી 4,800 ગીતા નામની મહિલાઓનો ડેટા પણ મળી આવ્યો છે, જેમનો ઉપયોગ આ કૌભાંડ માટે થવાનો હતો!. અગાઉ સુરત અને ભાવનગરમાં પણ આવા કાર્યક્રમો કરી ચૂકેલો અલ્પેશ આ વખતે કાયદાના સકંજામાં બરાબરનો ફસાયો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસની આ મોટી કાર્યવાહીથી આગામી દિવસોમાં હજુ કેટલાય મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.