)
Surat News: અમદાવાદ નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સામે બનતા ગર્લ્સ હોસ્ટેલના નવા બિલ્ડીંગમાં એક શ્રમિકના બીભત્સ હરકતોનો વીડિયો વાઇરલ થયા બાદ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલના ચોથા ફ્લોર પરથી એક ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ બન્ને ઘટનાઓ બાદ રાજ્યમાં સરેઆમ મહિલાઓની સુરક્ષા અને ગરિમા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યના બે મોટા શહેરોના જાહેર સ્થળો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ છોકરાઓ અને શ્રમિકો દ્વારા કરવામાં આવતી અભદ્ર હરકતોના વીડિયો અને CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
મોટા વરાછા મોલમાં યુવકની બીભત્સ હરકતના CCTV ફૂટેજ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલના ચોથા ફ્લોર પરથી એક ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક યુવક કંઈક પૂછવાના બહાને યુવતી પાસે જાય છે અને પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવીને બીભત્સ હરકત કરતો દેખાય છે. જાહેર સ્થળ પર બનેલી આ ઘટનાથી મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. હવે આવી માનસિકતા ધરાવતા તત્વો સામે પોલીસ કેવા કડક પગલાં ભરે છે તે આવનારો સમય દેખાાડશે.
નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં શ્રમિકની અશ્લીલ હરકતના કારણે હોબાળો
અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટી છેલ્લા એક અઠવાડિયાથી વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે નવા બની રહેલા H-5 બ્લોકમાં કામ કરતા એક શ્રમિકે સરેઆમ બીભત્સ હરકતો કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર કેમ્પસમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
યુનિવર્સિટીની નિષ્ક્રિયતા અને લીલી નેટનો વિવાદ
નિરમા યુનિવર્સિટીમાં બનેલી આ ઘટના અંગે વિદ્યાર્થિનીઓએ સત્તાધીશોને ફરિયાદ કરી હતી, પરંતુ કડક કાર્યવાહી કરવાના બદલે ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓના પહેરવેશ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે. ઉપરાંત છોકરીઓને સુરક્ષા પૂરી પાડવાને બદલે હોસ્ટેલની સામે માત્ર લીલા કલરની નેટ લગાવી દેવાતાં સંસ્થાની કામગીરી સામે રોષ વધુ ઘેરો બન્યો છે.
1 ઓક્ટોબરે કાળા કપડાં પહેરીને વિદ્યાર્થીઓનો કર્યો વિરોધ
નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ઘટના બાદ લડી લેવાનું મન બનાવી લીધું છે. આ વિરોધના ભાગરૂપે 1 ઓક્ટોબરે કેમ્પસમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને અને હાથમાં પ્લેકાર્ડ્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભેગા થઈને ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી હતી.