)
ચેતન પટેલ, સુરતઃ સુરત સાયબર ક્રાઈમે ટેકનિકલ વર્કઆઉટના આધારે આંતરરાજ્ય સાયબર ક્રિમિનલ ગેંગ પર બહુ મોટી તરાપ મારી છે...શેર માર્કેટમાં રાતોરાત અમીર બનવાના સપના જોતા લોકોને ટાર્ગેટ કરીને કરોડો રૂપિયા પડાવતી મહારાષ્ટ્રની આખી ગેંગને પોલીસે દબોચી લીધી છે...આ શાતિર ઠગોએ ફરિયાદીને Axis.apk નામની એક બોગસ એપ્લિકેશન મોકલી હતી, જેને અસલી સમજીને ફરિયાદી તેમાં રોકાણ કરવા લલચાયો હતો...
આ બોગસ એપ્લિકેશન મારફતે ફરિયાદીનું નકલી ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને ટ્રેડિંગના નામે અલગ-અલગ બેંક ખાતામાં કુલ 1 કરોડ 10 લાખ 90 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ઠગોની ચાલ એટલી પાકી હતી કે તેઓ બોગસ એપમાં ખોટો નફો બતાવી ફરિયાદીનો વિશ્વાસ જીતતા રહ્યા...પરંતુ જ્યારે ફરિયાદીએ પોતાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ક્યારેય ન સાંભળેલા અલગ-અલગ ચાર્જિસના નામે વધુ પૈસાની માંગણી શરૂ થઈ ગઈ...હદ તો ત્યારે થઈ જ્યારે કરોડોના રોકાણ સામે ઠગોએ માત્ર પાંચ હજાર રૂપિયા જ વિડ્રો-અલ કરવા દીધા અને બાકીના 1 કરોડ 10 લાખ 85 હજાર રૂપિયા ઠગી લીધા.
ફરિયાદ મળતા જ સુરત સાયબર ક્રાઈમ એક્ટિવ મોડમાં આવી ગઈ...પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાંથી રાહુલ રજક, આશિષ સોનાર અને ભૂષણ સૈદાણે નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે...મુખ્ય આરોપી રાહુલ રજકે કમિશનની લાલચે એક બોગસ ફર્મ બનાવી IDFC બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું, જેનો ઉપયોગ આ કરોડોની ઠગાઈ માટે કરવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે...આરોપીઓના કરંટ એકાઉન્ટમાં માત્ર ટૂંકા ગાળામાં એટલે કે 18 ઓક્ટોબર 2025થી 9 જાન્યુઆરી 2026 દરમિયાન ₹2.41 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે...જ્યારે NCCRP પોર્ટલ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે ખબર પડી કે આ ગેંગ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં 29 જેટલી ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે, જેમાં આશરે 16.13 કરોડની મહાઠગાઈ આચરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે.
સુરત સાયબર ક્રાઈમની આ મોટી કાર્યવાહી ડિજિટલ ઠગો માટે એક કડક સંદેશ છે કે કાયદાના સકંજાથી બચવું અશક્ય છે...પરંતુ આ કિસ્સો તમામ નાગરિકો માટે પણ મોટી લાલબત્તી સમાન છે...કોઈ પણ અજાણી લિંક, સોશિયલ મીડિયા પર મળતી ટિપ્સ કે પ્લે સ્ટોર સિવાય બહારથી ડાઉનલોડ કરાયેલી કોઈ પણ apk ફાઈલ પર ભરોસો ન કરો.