)
Health Care: ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર બીમારીઓ કહેવાય છે. તેનું કારણ છે કે આ બીમારીમાં શરૂઆતમાં તો લક્ષણો દેખાતા જ નથી. આ બીમારી લક્ષણો વિના શરૂ થાય છે અને સમયસર તેનું નિદાન ન થાય અને સારવાર શરૂ ન થાય તો આ બીમારી શરીરને ધીરે ધીરે નુકસાન કરવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હાર્ટ, કિડની સહિતના મહત્વના અંગો પર ખરાબ અસર કરી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની વાતને લોકો સામાન્ય માને છે પરંતુ આ બે બીમારી શરીરને અંદરથી નુકસાન વધારે કરે છે. આ બીમારીઓના લક્ષણ સ્પષ્ટ રીતે દેખાય તેવા નથી હોતા પરંતુ તે ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે જ ડોક્ટરો પણ સમયે હેલ્થ ચેકઅપ કરાવવાની સલાહ આપતા હોય છે જેથી આ બીમારીઓ વિશે શરૂઆતમાં જ જાણી શકાય.
હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનોનું નિદાન
ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ બંને બીમારી હાર્ટ અને લોહીની નળીઓને નુકસાન કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થયા પછી લાંબા સમય સુધી તે કંટ્રોલમાં ન રહે તો હૃદય પર પ્રેશર વધી જાય છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકનું જોખમ વધે છે. તેવી જ રીતે સતત વધતું બ્લડ સુગર લોહીની નસોને અંદરથી નુકસાન કરે છે, જેના કારણે હૃદય રોગની સાથે કિડની બીમારીઓ થવાનું જોખમ પણ વધે છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ બંને બીમારી હાર્ટ અને કિડની માટે જોખમી છે.
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને લઈને એવા લોકોએ ખાસ તકેદારી રહેવું જેમના પરિવારમાં ડાયાબિટીસ હૃદય રોગ કે બ્લડ પ્રેશરની સમસ્યા વારસાગત હોય. પરિવારમાં લોકોને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો ઇતિહાસ હોય તેવા લોકોએ સમયાંતરે બ્લડ સુગર લેવલ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહેવું જોઈએ જેથી શરૂઆતમાં જ આ બીમારીઓ વિશે જાણી શકાય.
બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની કંટ્રોલ કરવાની રીત
જો સમયસર ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું નિદાન થઇ જાય તો સૌથી મોટો ફાયદો એ થાય છે કે શરૂઆતના સ્ટેજમાં લાઈફ સ્ટાઈલમાં સુધારો કરીને આ બંને બીમારીને કંટ્રોલ કરી શકાય છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટે દવા લેવી જરૂરી છે પરંતુ સાથે જ જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યાઓ શરીરને વધારે નુકસાન કરી શકે નહીં. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર હોય તો સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, સ્ટ્રેસ કંટ્રોલ અને વ્યસનથી દૂર રહેવા જેવા કામ કરીને હાર્ટને હેલ્ધી રાખી શકાય છે.
મહત્વપૂર્ણ છે કે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એવી બીમારી છે જે થઈ જાય તો શરૂઆતમાં દર્દીને ખબર પણ નથી પડતી કારણ કે તેના કોઈ સ્પષ્ટ લક્ષણો અન્ય બીમારીની જેમ દેખાતા નથી. એટલા માટે જ 30 થી 35 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતાં રહેવું જોઈએ. જેમાં હાર્ટ માટેના ટેસ્ટ, બ્લડ પ્રેશર અને બ્લડ સુગર માટેના ટેસ્ટ કરાવવાની સલાહ ડોક્ટર આપતા હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)